સંગીત નૃત્ય નાટિકા પ્રકાશ છાયા

સંગીત-નૃત્ય નાટિકા

પ્રકાશ છાયા
ગુજરાતીમાં સંગીત-નૃત્ય નાટિકા લખવા-ભજવવાના પ્રમાણમાં ઓછા પ્રયોગો થયા છે. આવો એક રસપ્રદ પ્રયોગ ભાવનગરમાં ૧૯૫૮ની સાલમાં ‘પ્રકાશ-છાયા’ નાટિકા ભજવવાનો થયો હતો. યુવાન વયે અકાળ અવસાન પામેલા જગદીપ વિરાણીએ આ નાટિકા લખી હતી અને તૈયાર કરી હતી પરંતુ તેમના અવસાન પછી જ તે ભજવાઈ શકી હતી. આ સંગીત-નૃત્ય નાટિકા ‘પ્રકાશ-છાયા’નું રેકોર્ડિંગ અત્રે પ્રસ્તુત છે. જે રસિક જનોને તે સાંભળવાની ઈચ્છા હોય તેમને નીચેની લિન્ક પર કર્સર રાખી માઉસનું જમણું બટન દબાવી "Save Target As..." નો વિકલ્પ પસંદ કરી પોતાના કોમ્પ્યુટર પર સમગ્ર નાટિકા ડાઉનલોડ કરી સાંભળવા વિનંતી છે. આ રેકોર્ડિંગ ૩૨.૪૫ મિનિટ લાંબુ છે અને ફાઈલની સાઈઝ ૭.૩૦ એમ.બી. છે. આ ફાઈલ ઝીપ ફાઈલ છે અને કોઈ પણ ઝીપ સોફ્ટવેર વડે તે ખોલવાથી તેમાંથી એમ.પી.-૩ વર્ઝન બહાર આવશે.

              નાટિકા અંગે વધુ માહિતી

વર્ષ: ૧૯૫૮ ઓક્ટોબર
સ્થળ: ૫૭૨, એરોડ્રોમ રોડ (જે હવે જગદીપ
વિરાણી માર્ગ છે), ભાવનગર - ૩૬૪ ૦૦૧.
લેખન, કાવ્ય, સંગીતઃ જગદીપ વિરાણી
નૃત્ય: સોહિણી વિરાણી (ભટ્ટ), શોભના ઓઝા,
તૃપ્તિ ઓઝા, નીલિમા બાપટ
નિવેદનઃ હસમુખ વિરાણી, સુમન કાણે (રાવળ)
મુખ્ય ગાયકોઃ પિનાકીન મહેતા, નયનબેન મહેતા
દેવાંગના ભટ્ટ (પાઠક), જયશ્રીકાંત વિરાણી
કોરસઃ પ્રમોદ ભટ્ટ, સુમન કાણે, ભાર્ગવભાઈ પંડ્યા
રેકોર્ડીંગ:નરેન્દ્ર કાણે
સાઉન્ડ ઈફેક્ટ: પુનિત વૈદ્ય, ભરત પંડ્યા
વાદ્ય વૃંદઃ
હાર્મોનિયમ અને એકોર્ડિયનઃભાર્ગવભાઈ પંડ્યા
તબલા: પંકજ ભટ્ટ
ઢોલક:  ઉપેન્દ્ર ભટ્ટ
દિલરુબા: ઈન્દુભાઈ પંડ્યા
સિતાર: પુનિત વૈદ્ય
બંસરી: જયંત ભટ્ટ
કાષ્ટ તરંગ: મહેશ મહેતા
મેન્ડોલીન: ચિત્તરંજન ભટ્ટ
સ્ટિકસ ખંજરી: પ્રમોદ ભટ્ટ

જગદીપ વિરાણી અને આ નાટ્યપ્રયોગ

મુકેશ દ્વારા ગવાયેલું ગીત ‘મને યાદ ફરી ફરી આવે, મારા અંતરને રડાવે’ તથા ગીતા દત્તનું ગાયેલું ગીત ‘આનંદે નાચે, મારું મન ઉમંગે નાચે’ - બન્ને ગીત ૧૯૫૦ના દાયકામાં ઘણા લોકપ્રિય બનેલા અને આજે પણ એટલાં જ કર્ણપ્રિય લાગે છે. આ ગીતો ૧૯૫૦ના સફળ ચિત્રપટ ‘નસીબદાર’ના અને આ ચિત્રપટના ગીતકાર-સંગીતકાર હતા જગદીપ વિરાણી. પણ આ તો તેમની બહુ અધુરી ઓળખાણ કહેવાય.

પ્રસિદ્ધ હાસ્યકાર મસ્ત ફકીરના કહેવા પ્રમાણે "જગદીપને કઈ કલા હસ્તગત હતી તે કરતાં તેને કઈ કલા સાધ્ય ન હતી તે કહેવું વધુ મુશ્કેલ હતું." બહુમુખી પ્રતિભા ધરાવતા આ સર્જકનો જન્મ ૧૯૧૭માં થયો હતો અને ૧૯૫૬ની સાલમાં માત્ર ૩૯ વર્ષની વયે અવસાન થયું. આમ વ્યવસાયે તો તેઓ ઈલેક્ટ્રીકલ એન્જિનિયર હતા. વડોદરામાં જ્યારે ઓલ ઈન્ડિયા રેડિયોનું સ્ટેશન શરૂ થયું ત્યારે તેમાં જોડાયા હતા. પછી શાંતિનિકેતન જઈ અવનીન્દ્રનાથ ટાગોરના હાથ નીચે ચિત્રકામની તાલિમ મેળવી અને ચિત્રકલાની વોશ ટેકનિક ગુજરાતમાં લઈ આવ્યા. જગદીપભાઈ કવિ અને ચિત્રકાર ઉપરાંત ઉત્કૃષ્ટ ફોટોગ્રાફર અને ઊંચી કોટિના મેન્ડોલિન વાદક અને વાયોલિન વાદક પણ હતા. પણ તેમની સૌથી વધુ મહત્તા એમાં છે કે તેઓ જીવનભર એક કલાશિક્ષક રહ્યા હતા અને પોતાના જ્ઞાન અને આવડતનો લાભ સૌને આપતા રહ્યા હતા.

જગદીપભાઈ ભાવનગરની નિશાળમાં ચિત્રશિક્ષક તરીકે જોડાયા હતા. સંસ્કારધામ ભાવનગરની નિશાળોનું શિક્ષકપદ શિક્ષણવિદ્ નાનાલાલ ભટ્ટ, સંગીતજ્ઞ રતિભાઈ અંધારિયા અને ચિત્રકાર સોમાલાલ શાહ જેવા અનેક મહાનુભાવોએ શોભાવ્યું છે. જગદીપભાઈએ ૧૯૫૩માં દિવાનપરા રોડ પર આવેલી બાર્ટન લાઈબ્રેરી સામે ઉષાકાન્ત મહેતાના ઘરમાં ‘સપ્તકલા’ સંસ્થા શરૂ કરેલી. એ સંસ્થામાં ત્રણ રૂમમાં ત્રણ અલગ અલગ કલાપ્રવૃત્તિ ચાલે અને શિક્ષક તરીકે એકમાત્ર જગદીપભાઈ વિરાણી ! ઉષાકાન્ત મહેતા તે સમયે નાની વયના. પાછળથી ઉષાકાન્તભાઈએ ‘ભુવન શોમ’ અને ’પરિણય’ જેવી કલાત્મક ફિલ્મોનું સફળતાપૂર્વક કલા નિર્દેશન કર્યું. જગદીપભાઈનું હ્રદય જન્મથી જ નબળું હતું અને તેઓ યુવાન વયે જ ૧૯૫૬માં ‘સપ્તકલા’ સંસ્થામાં જ હ્રદય બંધ પડવાથી અવસાન પામ્યા.

ગીત-સંગીતનાં નિપુણ જગદીપભાઈ પોતે જે ગીત લખતાં તેના નોટેશન પણ તેની સાથે જ લખતા. તેમના ઘણાં ગીતોની ગ્રામોફોન રેકોર્ડ બની છે. તેમના લખેલા ગીતના ત્રણ પુસ્તકો પણ પ્રગટ થયાં છે - ‘ડોલરિયો’, પૂનમ રાત’ અને ‘હિમ રેષા’. આ ત્રણે પુસ્તકની ખૂબી એ છે કે તેમાં જે જે ગીત છે તે કેવી રીતે ગાવા તેના સંગીતના નોટેશન પણ સાથે સાથે જ અપાયા છે. ગુજરાતી ભાષામાં આવો પ્રયોગ કરનારા તેઓ સૌ પહેલા કવિ હતા.

‘પ્રકાશ-છાયા’ નાટિકા તેમણે લખી પણ તેને તેઓ છેલ્લો ટચ આપી શક્યા નહિ. તેમના અવસાન બાદ ૧૯૫૮માં ક્રેસન્ટ સર્કલ પાસે આવેલી એ.વી. સ્કૂલના હોલમાં તે ભજવવાનો નિર્ણય લેવાયો. ભજવવાની કેટલીક મુશ્કેલી નિવારવા નાટિકા પહેલેથી રેકોર્ડ કરી લેવાનું અને રેકોર્ડેડ ઓડિયોના આધારે પાત્રો અભિનય કરે તેવું નકી કરવામાં આવ્યું. નાટિકામાં જે બે ગીત ‘ધીરે ધીરે રાત આવી’ અને ‘તોફાન’ ના નોટેશન તૈયાર ન હતા તે જગદીપભાઈના નાના ભાઈ જયશ્રીકાન્તભાઈ વિરાણીએ તૈયાર કર્યાં. તે સમયે ભાવનગરમાં માત્ર એક સ્પુલવાળું એક જ ટેપ રેકોર્ડર ઉપલબ્ધ હતું. સાઉન્ડ-પ્રૂફ સુવિધા ન હોવાથી મોડી રાત્રે વાહનોનો અવાજ ન હોય ત્યારે જ રેકોર્ડિંગ થઈ શકે તેમ હતું. આ મર્યાદા સાથે એક જ બેઠકમાં એક જ માઈક વડે અને કોઈ પણ પ્રકારના એડિટિંગ વિના આ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને સફળતાપૂર્વક ભજવવામાં આવ્યું હતું.

No comments:

Post a Comment